Bagdana Guru Purnima Crowd


આજે ગુરૂવંદનાના પાવન પર્વે સંત પૂ. બજરંગદાસ બાપાની કર્મભૂમિ બગદાણા ખાતે આજે દોઢ લાખ શ્રધ્ધાળુ ભક્તોએ બાપા બજરંગદાસનું પૂજન-અર્ચન, વંદન કરી ભાવભકિતભેર પ્રસાદ ગ્રહણ કર્યો હતો. જિલ્લામાં ભાવનગર, મહુવા, તળાજા, સિહોર, બોટાદ, વલ્લભીપુર સહિતના વિસ્તારોમાં ગુરૂપિૂર્ણમાંની ભવ્ય અને પરંપરાગત ઉજવણી થઈ હતી.

આજે બગદાણામાં વહેલી સવારનાં પાંચ વાગ્યે મંગલા આરતીથી ઉત્સવનો વિધિવત્ પ્રારંભ થયો હતો. ત્યારબાદ છ વાગ્યે ધજા પૂજન થયું હતું. જ્યારે આઠથી સાડા નવ વાગ્યા સુધી પૂ. બાપાના ગાદી મંદિર ખાતે શાસ્ત્રોકત વિધિ-વિધાન અનુસાર ગુરૂપૂજન વિધિ થઇ હતી. બાદમાં રસોડા વિભાગમાં સ્વયંસેવકોએ તૈયાર કરેલ રસોઈ ભાવિકોને પીરસવામાં આવી હતી.પ્રસાદ ગ્રહણ કરીરાજ્ય ઉપરાંત દેશ-વિદેશથી દર્શનાર્થે આવેલા ભાવિકોએ પોતાની જાતને ધન્ય સમજી હતી. આશ્રમની પરંપરા પ્રમાણે સૌને એક સાથે પંગતમાં બેસીને જમાડવામાં આવતાં હતા.

એક સાથે દસ હજાર માણસે બેસીને જમી શકે તેવી વિશાળ અને પાકા બાંધકામવાળા રસોડામાં ચુસ્ત ભોજન પ્રબંધ રહ્યો હતો.એસ.ટી. વિભાગ તરફથી ભાવનગર,તળાજા,મહુવા તેમજ પાલિતાણાથી ખાસ બસો દોડાવવામાં આવી હતી. પોલીસ વિભાગ તરફથી એક પી.આઇ., પાંચ પી.એસ.આઇ. તેમજ સાત મહિલા પોલીસ સહિત ૧૦૪ કોન્સ્ટેબલ અને ૭પ હોમગાર્ડ જવાનોને ફરજમાં સતત તૈનાત રખાયા હતા.

૧૦ હજાર સ્વયં સેવકો સેવામાં જોડાયા –

બગદાણામાં દર્શન વિભાગ સહિત ચા-પાણી, ભોજન શાળા, પાર્કંગ, તેમજ અન્ય વિભાગોમાં બગદાણાથી પૂવ દિશામાં આવેલા ૧૨પ ગામડાઓના અંદાજે ૧૦ હજાર સ્વયં સેવકોએ અવિરત સેવા આપી હતી. રસોડા વિભાગમાં ભાઇઓ-બહેનોની અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. બહેનોના રસોડામાં બજરંગદાસ બાપા હાઇસ્કૂલ, બગદાણાની ૧પ૦ દીકરીઓએ સેવા બજાવી હતી.